Different meaning of ‘Tatva’.
તત્વ શબ્દના વિવિધ અર્થ
- સૃષ્ટિના પ્રલય પછી પણ પોતાના મૂળ સ્વરૂપે જે ટકી રહે છે.
- જગતનું મૂળ કારણ કે કારણો
- રહસ્ય, સારાંશ, આત્માનું મૂળ સ્વરૂપ
- કપિલ મુની પ્રણિત સાંખ્ય દર્શન અનુસર ચોવીસ - તત્વો જેવા કે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ (પંચ મહાભૂત) + શ્રોત્ર, ત્વક (ત્વચા), ચક્ષુ, જિહવા (જિભ) અને ધ્રાણ (નાક) રૂપી પંચ જ્ઞાનેંદ્રીય + સ્પર્શ, શબ્દ, રૂપ અને ગંધ (પાંચ તન્માત્રા), વાક (વાણી), પાણિ (હાથ), પાદ (પગ), પાયુ (ગુદા) અને ઉપસ્થ (જનેન્દ્રિય) રૂપી પાંચ કર્મેન્દ્રિય + મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર (ચાર અંત:કરણ) આમ કુલ ચોવીસ તત્વો પ્રકૃતિના છે. જે ‘જડ’ કે અચેતન’ છે અને પચીસમું તત્વ તે ‘આત્મા’કે ‘પુરુષ’ છે. જે ‘ચેતન’ છે અને નિષ્ક્રિય કે સાક્ષીરૂપ છે. આ બધાનું જ્ઞાન એટલે તત્વ જ્ઞાન.
સાર્વત્રિક તત્વજ્ઞાન ની વિવિધ
વ્યાખ્યાઓ
- તત્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, દરેક સ્થિતિમાં આત્માને સાચી શાંતિ અને સાચું સુખ (આનંદ) આપે તેવું જ્ઞાન.
- તત્વ જ્ઞાન એટલે તત્વત્રયી (ત્રણ મૂળભૂત તત્વો) જેવા કે, ‘જિવ (આત્મા), જગત અને જગદીશ (પરમેશ્વર/પરબ્રહ્મ)ના યથાર્થ સ્વરૂપનું અને તેમની વચ્ચેના આંતર સંબંધો અંગેનું જ્ઞાન.’
- તત્વ જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન.
- તત્વ જ્ઞાન એટલે આ જગત પોતે શું છે ? અને તેને લગતી સાચી સમજણ કે યથાર્થ જ્ઞાન (અત્યારના વિજ્ઞાનીઓ આ પ્રકારની વ્યાખ્યાને આધારે જગતને સમજવા સંશોધન કરી રહ્યા છે.)
હવે આપણે
તત્વજ્ઞાનીઓએ આપેલ તત્વ જ્ઞાનની વ્યાખ્યાઓ જાણીએ.
- ભારતીય કપિલ મુનિ પ્રણિત ‘સાંખ્ય દર્શન’ અને પતંજલિ પ્રણિત યોગ દર્શન અનુસાર :- ‘પ્રકૃતિ (જડ છતાં સક્રિય) અને પુરૂષ (સચેતન અને નિષ્ક્રિય)નું સ્વરૂપ અને બંને વચ્ચેનો ભેદ જણાવે તે ‘તત્વ જ્ઞાન’.
- સાંખ્ય દર્શન પ્રમાણેની બીજિ વ્યાખ્યા અનુસાર : ‘જેનાથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી ચોવીસ તત્વોનું તથા પચીસમા તત્વ એવા ‘પુરુષ’નું (આત્માનું) યથાવત જ્ઞાન થાય તે તત્વ જ્ઞાન. (નોંધ : આ પચીસેય તત્વોનું વર્ણન આગળ આપેલ છે.)
- વેદાંત દર્શન (ઉત્તર મીમાંસા) અનુસાર : તત્વ જ્ઞાન’ એટલે અવિદ્યાનો (મૂળ અજ્ઞાનનો) નાશ (દૂર થવું તે)
- ભગવાન સ્વામી નારાયણ અનુસાર : તત્વ જ્ઞાન’ એટલે જિવ (આત્મા), ઇશ્વર, માયા, બહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ તત્વોનું યથાર્થ જ્ઞાન આપે તે જ્ઞાન.